મનુષ્યનું પાચનતંત્ર: સંપૂર્ણ માર્ગદર્શન અને MCQs સાથે સાહજિક સમજૂતી | Human Digestive System: A Complete Guide with Easy-to-Understand MCQs

મનુષ્યનું પાચનતંત્ર: સંપૂર્ણ માર્ગદર્શન અને MCQs સાથે સાહજિક સમજૂતી | Human Digestive System: A Complete Guide with Easy-to-Understand MCQs

મનુષ્યનું પાચનતંત્ર

મનુષ્યનું પાચનતંત્ર

મનુષ્યના પાચનતંત્રનાં મુખ્ય અંગો મુખ, અન્નનળી, જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું છે.

મુખ

ખોરાક મુખમાં મુકાય કે તરત ખોરાકના પાચનની શરૂઆત થાય છે. દાંત વડે ખોરાકને ચાવીને નાના-નાના સમાન ભાતવાળા કણોમાં રૂપાંતર થાય છે. આપણાં મુખમાં લાળગ્રંથિ લાળરસનો સ્રાવ કરે છે. જીભ ખોરાકને લાળ સાથે ભેળવે છે. લાળ એ પાણી જેવું પ્રવાહી છે, જે મુખમાં ખોરાકને ભીનો કરે છે. લાળરસમાં લાળરસીય એમાયલેઝ નામનું ઉત્સેચક હોય છે, જે ખોરાકમાં રહેલા સ્ટાર્ચના જટિલ અણુનું શર્કરામાં રૂપાંતર કરે છે. પાચનમાર્ગના અસ્તરમાં લયબદ્ધ સંકોચન પામીને ખોરાકને આગળ ધકેલી શકે તેવા સ્નાયુઓ આવેલા હોય છે.

અન્નનળી

મુખથી જઠર સુધી ખોરાક અન્નનળી દ્વારા લઈ જવામાં આવે છે.

જઠર

જઠર ખોરાક આવતાની સાથે વિસ્તરણ પામે છે. જઠરની સ્નાયુમલ દીવાલ ખોરાકને અન્ય પાચકરસોની સાથે મિશ્ર કરે છે. પાચનનું કાર્ય જઠરની દીવાલમાં આવેલી જઠરગ્રંથિઓ દ્વારા કરવામાં આવે છે. જઠરગ્રંથિઓ હાઈડ્રોક્લોરિક એસિડ (HCl), પેપ્સિન ઉત્સેચક અને શ્લેષ્મનો સ્રાવ કરે છે. HCl પેપ્સિનની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે અને જઠરમાં દાખલ થયેલા બેક્ટેરિયાનો નાશ કરે છે. શ્લેષ્મ જઠરના આંતરિક અસ્તરને એસિડ સામે રક્ષણ આપે છે.

નાનું આંતરડું

જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે, જે મુદ્રિકા સ્નાયુપેશી (નિજઠર વાલ્વ) દ્વારા નિયંત્રિત થાય છે. નાનું આંતરડું પાચનમાર્ગનો સૌથી લાંબો ભાગ છે. અહીં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન થાય છે. તે માટે યકૃત અને સ્વાદુપિંડના પાચક દ્રવ્યોનો ઉપયોગ થાય છે.

યકૃત પિત્તનો સ્રાવ કરે છે, જે એસિડિક ખોરાકને આલ્કલીય બનાવે છે અને ચરબીનું વિઘટન કરે છે. પિત્તક્ષારો ચરબીને નાના ગોલકોમાં ફેરવે છે. સ્વાદુપિંડ સ્વાદુરસ ઉત્પન્ન કરે છે જેમાં એમાયલેઝ (સ્ટાર્ચનું પાચન), ટ્રિપ્સિન (પ્રોટીનનું પાચન) અને લાયપેઝ (ચરબીનું પાચન) હોય છે.

આંત્રરસ અને રસાંકરો

નાના આંતરડાની દીવાલમાં રહેલી ગ્રંથિઓ આંત્રરસ ઉત્પન્ન કરે છે. આંત્રરસના વિવિધ ઉત્સેચકો કાર્બોહાઇડ્રેટ્સને ગ્લુકોઝમાં, પ્રોટીનને એમિનો એસિડમાં અને ચરબીને ફેટી એસિડ અને ગ્લિસરોલમાં વિઘટિત કરે છે.

પાચન પૂર્ણ થયા બાદ નાના આંતરડાની દીવાલમાં આવેલા અસંખ્ય રસાંકરો (નાના આંગળી જેવા પ્રવર્ધો) અભિશોષણ પ્રક્રિયા માટે ઉપયોગી છે. રસાંકુરોમાં રુધિરવાહિનીઓ વધુ હોય છે, જે પાચિત ખોરાક શરીરના દરેક કોષ સુધી પહોંચાડે છે.

મોટું આંતરડું

અપાચિત ખોરાક નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જાય છે, જ્યાં પાણીનું શોષણ થાય છે. ત્યાર બાદ મળદ્વાર દ્વારા શેષ પદાર્થો નીકાળવામાં આવે છે. આ પ્રક્રિયા મુદ્રિકા સ્નાયુઓ દ્વારા નિયંત્રિત થાય છે.

પાચિત ખોરાકનો ઉપયોગ

પાચિત ખોરાક શરીરમાં ઊર્જા મેળવવા, નવી પેશીઓના નિર્માણ અને જૂની પેશીઓના સમારકામ માટે ઉપયોગ થાય છે.

મનુષ્યનું પાચનતંત્ર - MCQs

મનુષ્યનું પાચનતંત્ર - MCQs

1. પાચન પ્રક્રિયા કયા અંગથી શરૂ થાય છે?

જવાબ: મુખ

2. લાળરસમાં કયું ઉત્સેચક હોય છે?

જવાબ: એમાયલેઝ

3. અન્નનળીનો મુખ્ય કાર્ય શું છે?

જવાબ: ખોરાકને જઠર સુધી લઈ જવું

4. જઠરમાં કયો એસિડ છૂટે છે?

જવાબ: હાઇડ્રોક્લોરિક એસિડ

5. નાનું આંતરડું કયું કાર્ય કરે છે?

જવાબ: પાચન અને શોષણ

6. યકૃત કયો પાચક રસ છોડે છે?

જવાબ: પિત્તરસ

7. સ્વાદુપિંડ કયો ઉત્સેચક છોડી શકે છે?

જવાબ: એમાયલેઝ

8. નાના આંતરડામાં ખોરાકનું અભિષોષણ વધારવા માટે કયા ખાસ અવયવો જવાબદાર છે?

જવાબ: રસાંકરો

9. મોટું આંતરડું શાનું શોષણ કરે છે?

જવાબ: પાણી

10. શ્લેષ્મનું મુખ્ય કાર્ય શું છે?

જવાબ: જઠરના અસ્તરને સુરક્ષિત રાખવું

0 Response to "મનુષ્યનું પાચનતંત્ર: સંપૂર્ણ માર્ગદર્શન અને MCQs સાથે સાહજિક સમજૂતી | Human Digestive System: A Complete Guide with Easy-to-Understand MCQs"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

In

In 2